Posted by: rajprajapati | 20/02/2011

ધર્મનો ધંધો…, શ્રેષ્ઠ ધંધો…, પ.પુ.ધ.ધુ. બાપુ બનો

ધર્મનો ધંધો…, શ્રેષ્ઠ ધંધો…, પ.પુ.ધ.ધુ. બાપુ બનો

જ્યાં રોજ રામરાજ્યની કલ્પના સાથે માણસ જાગે છે અને રાવણો અને જરાસંઘોના રાજનો અનુભવ કરીને થાકીને સુઇ જાય તે દેશને ધર્મ પરાયણ દેશ કહેવાય અને આખી દુનિયામાં ભારત દેશ આ વ્યાખ્યામાં બંધ બેસે છે કારણ કે જેમ જેમ સમય ચાલતો રહે છે તેમ તેમ આ દેશનો માણસ પ્રમાણિકતા અને કર્તવ્યથી દૂર જઇ રહ્યો છે…. શ્રી રામની અને શ્રીકૃષ્ણની કથાઓ કરનારા અને સાંભળનારાના જીવનમાંથી પણ પ્રમાણિકતા અને કર્તવ્ય ખત્મ થઇ ગયા છે …રામરાજ્યની કલ્પનાઓ હવે પુસ્તકોમાં કેદ થતી જાય છે અને કથાકારો તેનો ધંધો કરીને સુખસાહ્યબીના ભોગવે છે.

જો કોઇ  બેરોજગારને કામ ના મળતુ હોય અને ફકત જલ્સા કરવા હોય તો તેણે દાઢી અને વાળ વધારવાનું ચાલુ કરી દેવાનું ૨-૩ વર્ષ દાઢી અને વાળ ઘટાટોપ બની રહે ત્યાં સુધીમાં સંસ્કૃતનું પ્રાથમિક જ્ઞાન મેળવી લેવાનું અને રામાયણ, મહાભારત, જ્યોતીષ…ચારવેદ… પુરાણો..અને આયુર્વેદ અને યોગાના પુસ્તકો અને ગ્રંથોનું વાચન કરવાનું વધુને વધુ માહિતીઓ ભેગી કરવાની અને તે સતત વાંચતા રહેવાનું બે – એક વર્ષમાં દાઢી અને વાળ બરાબર લાંબા થાય તેની સાથે જરા મસલ્સ વાળું શરીર પણ બનાવી લેવાનું આટલુ કરીને લાલ-પીળા કે સફેદ ધોતીયા પહેરતા પણ શીખી લેવાના….. હાથમાં અને ગળામાં રુદ્રાક્ષની માળાઓ પહેરી લેવાની…… બસ..આટલી તૈયારી કરી લો તો તમે પરમ પુજ્ય ધર્મ ધુરંધર પ્રાતઃ સ્મરણીય બાપુ બની જાશો…. અને ધર્મનો ધંધો શરૂ કરી શકશો…….

ધર્મનો ધંધો ચાલુ કરવા રાજ્યમાં જેના પક્ષની સરકાર ચાલતી હોય તેવા કોઇપણ જીલ્લામાં જે હલકટ રાજકારણી હોય તેને ભાગીદાર બનાવી લો, આસપાસમાં બે ઉદ્યોગપતિઓને પણ સાંધી લો…શહેર વિસ્તારથી ૧-૨ કિલોમીટર હાઇવે રોડ ટચ એક જ્ગ્યા ભાડે રાખી લો આવી જગ્યા વાળાને પણ ભાગીદાર બનાવી લો… રોકાણની કિંમતો પ્રમાણે દરેકની ટકાવારી નક્કી કરી લો….આસપાસના તમાત જ્ઞાતીના લોકોમાં અગ્રણી હોય તેવા લેભાગુ તત્વોને મફતમાં યજમાન બનાવીને સારા તહેવારોમાં ભાતભાતના આંડબર કરવા માટે નવી નવી રીતે થોડા યજ્ઞ કરો..આવા પ્રસંગોમાં આજુબાજુના પ્રખ્યાત થઇ ગયેલા આશ્રમવાળાઓને પણ ખાસ આંમત્રતીત કરો અને તે બધાને પણ ભેંટમાં સારા એવા પૈસા અને પોતાના ફોટાવાળી યાદગાર ચીજ વસ્તુઓ આપો આ બધામાં શરૂઆતમાં થોડો ખર્ચ થાય છે પણ આ ધંધો ૨-૩ વર્ષે પુરબહારમાં ખીલી ઉઠે છે અને પછી તો એન.આર.આઇ..અને આસપાસના અનેક માલેતુજાર લોકો તેના સુખ અને પુણ્ય મેળવા આપના ધંધમાં કાયમી ભાગીદાર બની જશે…

થોડા પૈસાની સગવડતા હોય તો આસપાસના ગામડાઓની ગૌશાળાઓ અને ગરીબોની ઝુંપડપટ્ટીઓમાં લોકો જોવે અને તેની પ્રસિધ્ધી મળે તે રીતે સેવાકીય કામગીરીઓ ચાલુ કરો….સારા અને પ્રસિધ્ધ વકતાઓને પુરતા ભાવ આપીને બોલાવો..લોકપ્રિય ભજનીકોના કાર્યક્રમો રાખો… અને ખાસ તો આસપાસના વિસ્તારમાંથી થૉડા નવરા અને રખડતા રહેતા હોય તેવા લોકોને પણ બાતમીદાર બનાવી લો… પછી જેમ ધંધો કરવામાં આવે તેમ સમયને સાચવીને બધા આંડબર સાથે…… જલસા કરો….. લોકો પગે લાગી ને બાપ કહીને પૈસાના ઢગલા કરી જાશે…..

આ ટીપ્સ ભારતમાં સફળ થયેલી છે લોકોને જન્મજાત અંધશ્રધ્ધા વારસામાં મળેલી હોય છે…જો અંગ્રેજીમાં સારું વ્યક્તવ્ય આપતા આવડી જાય તો તમે આંતરાષ્ટીય સંત બની શકશો..અને અનેક દેશોમાં જ્યાં જ્યાં ભારતીય લોકો રહેતા હશે ત્યાં તમે બાપ બની ને પ્રવાસ પણ કરી શકશો…. આ બધા ધંધામાં સમય આવે ત્યારે બે ચાર માલદાર લોકો અને બે ચાર કામ કરી શકે તેવા અને એકાદ – બે સરકારી વહીવટમાં પાવરધા હોય તેવા લોકોનું તમારા નામથી કે આશ્રમના નામથી બહુમુખી હેતુઓવાળુ એક ચેરીટેબલ ટ્રસ્ટ તમારા પોતાના મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રમુખ પદ નીચે બનાવી નાખો વર્ષમાં એકવાર નજીકના પોલીસ અધીકારીઓ..કલેકટર કચેરીના અધીકારીઓ.. ચેરીટી કમીશ્નરની કચરીના અધિકારીઓ તેમજ બીજી જે સરકારી કચેરીઓ લાગુ પડતી હોય તેવી કચેરીઓના લોકોને વારાફરતી યજમાન બનાવીને તે બધાનો જમાણવાર કરતા જાવ તેના ઘરની સ્ત્રીઓને બહુ માન પાન આપો અને તેની સગવડતા સાચવવા ખાસ ધ્યાન આપો……

જે માલદાર હોય અને સરકારી અધીકારી હોય તેવા લોકોના ઘરની મોટી ઉંમરની સ્ત્રીઓને રુદાક્ષ અને ગ્રહના નંગો વાળી વિંટીઓ  અને માળાઓ ખાસ ભેંટમાં આપો..આવા લોકો માટે જમવામાં ખાસ સુવીધાઓ આપો….

શનીવાર કે બીજા એવા દિવસે કે જ્યારે આશ્રમમાં કે આપની જગ્યામાં લોકો ઓછા આવતા હોય તે દિવસ નક્કી કરી ને ત્યારે મૌન રાખો… આશ્રમ બનાવો કે કોઇ જગ્યા બનાવો તેમાં શનીદેવ અને હનુમાનજી તથા ગણપતિજીના મંદિર પણ પહેલાથી બનાવો… ત્યાં સવારે ૬ વાગે અને સાંજે ૭ વાગે સમયસર ૨૦-૩૦ મિનિટ મોટા ધુપીયાથી આરતી  થતી રહે તેવી કાયમી વ્યવસ્થાઓ રાખો..

તમારી જે વાત એકને કરો કે કોઇ કામ એકને સોંપવામાં આવે તેની સાથે એકાંતમાં બેસીને વાત કરો અને તેને ખાનગીમાં કોઇને પણ ખબર ના પડે તેમ રૂપીયા આપીને તેની અંગત જરૂરતો પૂરી કરતા રહો..આવું અનેક લોકો સાથે કરો તેનાથી તે બધા એવું સમજશે કે તેમે તેના અંગત અને ખાસ છો..જ્યારે જ્યારે..જગ્યામાં કે આશ્રમમાં કોઇ જાહેર પ્રસંગનું આયોજન હોય તો તમારા સ્વમુખેથી આવા અંગત સેવકોની સેવાઓ અને ધાર્મીક ભાવનાઓના ભરપુર વખાણ કરો..અને તેને જાહેરમાં માનપાન મળે તેવા પ્રયત્ન ચાલુ રાખો….. તે બધા આખરે તમારા માર્કેટીંગ એક્ઝ્યુટીવો બની જાશે….

તમે પોતે પણ સમયસર કામકાજની ટેવ રાખો..જરૂર હોય ત્યારે પણ બોલવું નહી.. તમારું મૌન રહેવું તમારા ઉંચા જ્ઞાનની ગવાહી જેવું બની રહેશે..જ્યારે પણબોલો ત્યારે ખુબ શાંતીથી અને ધીમેધીમે બોલો જાણે આપનો અવાજ બહુ કોમળ છે…બાપુ બનીને કાંઇ બુમ બરાડા થોડા પાડી શકાય છે .

શક્ય હોય ત્યાં સુધી ઓછુ બોલવાનું રાખો અને બાળપણના એકાદ બેકાર હોય તેવા મિત્રને પણ સાથે રાખી લો કારણ કે જો તમને ખોટા વ્યસન હોય તો કોઇનો પણ ભારોસો કર્યા વિના તેના મારફત વ્યસન ચાલુ રાખો..વ્યસનો હોવાની એકથી વધુ બીજા કોઇને પણ ખબર ના પડવા દો…..

આટલું  જો તમે કરી શકો તો તમે ભવિષ્યના ૨-૩ વર્ષ પછી મોટા સંત કે મહાત્મા બનીને પુજાતા થઇ જશો….. અને જો તમને રજકારણ રમાતા આવડી જાય અને એકાદ બે મંત્રીઓ કે રાજ્ય કક્ષાના રાજકારણીઓને સાધી લેશો તો તમારા પગમાં આખી દુનીયા પડવા આવશે…….તમારી  પાસે સ્થાનીક માલદારો અને મોટા નેતાઓ આવતા થશે પછી તમે પોતે આ સમાજ ઉપર બાપ બની ને પોતાની એક અનોખી સરકાર ચલાવી શક્શો….

આ બધુ વાંચ્યુ તે અત્યારના કોઇ સંત કે મહાત્મા કે કોઇ સંપ્રદાય ના વિરોધમાં નથી લખ્યુ.. આ તો આજકાલ બધા ગુજરાતમાં આવી ને રાજ્ય સરકાર સાથે ધંધો કરવાના એમ.ઓ.યુ. કરી રહ્યા છે તે બધા ધંધામાં અનેક સરકારી અને બીન સરકારી અડચણો આવશે..કોઇપણ ધંધો કરશો તો તેમાં કરવેરા ભરવા પડશે..ધર્મનો ધંધો કરશો તો કોઇ કરવેરા ભરવા પડતા નથી.. અઢળક પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે કોઇ પૂછનાર નથી ……

તમે એકવાર બાપુ બની ગયા અને પુજાવા લાગ્યા લોકો તમને પગે લાગવા માંડે તે પછી કોઇ કાંઇ બગાડી શકવાનું નથી… આજ સુધીમાં કોઇ બાપુનું કોઇ કાંઇ બગાડી શકયુ છે ?

તમે આ ધંધો ચાલુ કરો તો ગુસ્સા ઉપર કાબુ રાખવાનો છે જે લોકો નડતા હોય તેનું નામ પણ ના આવે તેમ કાટલું કાઢી નાખો…. આ ધંધાની વાત કરી તેમાં પહેલા કહેલુ છે કે સૌથી પહેલા જીલ્લાના સૌથી હલકટ રાજકારણીને ભાગીદાર બનાવવો… તે તમારી અડચણોને દુર કરવાનું કામ કરશે..સરકારી કચેરીઓમાં તમે પુજાતા હોવ પછી તમારી વિરૂધ્ધની કોઇ ફરીયાદ લેવાશે પણ નહીં અને તમે ગુનેગાર હશો તો પણ તમને કાયદો ક્યારે પકડી શકશે નહી……. તમે પોતે જે ભુલો કરો તે ભુલો તમને નુકસાન કરી શકે છે તો ધંધો શાંતીથી કરવો અને કોઇ ભુલ ના થાય તેનું ધ્યાન રાખવું ……..

બસ… હવે તો બધુ શિખવાડી દિધુ છે… તમે નક્કી કરો અને શુભ ચોઘડીયે કામ ચાલું કરી દો…. વાળ અને દાઢી તો અત્યારથી વધારો અને જગ્યા પસંદ કરો અને થોડા ઝાડ પણ વાવી દો…. અને જલ્દી આ શ્રેષ્ઠ ધંધો ચાલું કરો..અને  તમે બાપુ બની જાવ પછી ભુલથી હું તમારા આશ્રમમાં આવી પહોચુ તો મને એકપણ રાત રોકાવા દેશો નહી..નહીતર હું તમારી બધી પોલ ખોલી નાખીશ -કોઇને આ ધંધો ચાલુ કરવાની ઇચ્છા હોય તો બધુ ક ન્સ્લટન્ટીંગ ફી લઇને ધંધો ચાલુ કરાવી આપવામાં આવશે.. સંપર્ક તો તમે જાણો જ છો…

( મિત્રો..બહુ..દુઃખ સાથે આ બધુ લખવુ પડયુ છે..જે સંતો બની બેઠા છે તે તેનું કર્તવ્ય ભુલી ચુક્યા છે જાણે ધર્મ એક ધંધો હોય તેમ આશ્રમ ઇન્ડસ્ટ્રીઝ અસ્તિત્વમાં આવી છે…આ બધુ લોકો સમજે પણ છે પણ મફતમાં સુખી થવાની લાલચ અને બાપુના આશીર્વાદમાં હજી અંધ વિશ્વાસુઓની શ્રધ્ધા અકબંધ છે ત્યાં સુધી આ ધંધો ચાલુ રહેશે…… આ બધુ તો ચાલતુ રહે છે પણ કોઇ આત્માની શ્રધ્ધાને છેતરીને ભગવાનનું નામ વટાવીને જો પગ પુજાવીને સુખ સાહ્યબી ભોગવવામાં આવે તો તે બહુ મોટા પાપ કર્મો છે.. તેવા માણસો આજે ભલે પુજાતા હોય પણ તેના કર્મો ને કારણે આખરે તે સડી સડીને મરે છે અને બીજા અનેક જન્મો સુધી તેના કરજ ઉતારવા માટે અત્યંત દયનીય જીવનના જન્મો મળે છે… આપ તો સમજદાર છો આ બધુ સમજી શકો છો..જે લોકો અંધવિશ્વાસથી પોતાની શ્રધ્ધાને વેડફી રહ્યા છે તેવા ભોળા લોકોને આ લેખથી જાગૃત કરવાનો આ નમ્ર પ્રયાસ છે.)

Advertisements

Responses

 1. Nice one.

 2. excellent, kadvu satya che aa pan andhvishwasi bhartiyo na magaz ma kyarey nahi bese… Asharam jeva bapu avta rahese, ne duniya lutati rahese.

 3. સચ્ચા સધુ ની વ્યાખ્યા કરવી હોય તો આ રીતે કરી શકાય.
  જેનુ જીવન સાદુ એ સાધુ
  જેઉ જીવન સાચ્ચુ એ સાધુ
  અને
  જેઉ જીવન સારું એ સાધુ.
  સરસ લેખ
  આભાર
  – અંકિત

 4. બહુ સુંદર.ખાલી તુલસીદાસની કવિતા આવડે રામચરિત માનસ ની ચોપાઈઓ ગોખીને સારી રીતે બોલતા આવડે તેમાં તો લોકો મહાબાપુ બની જતા હોય છે.યુપી બિહારમાં મર્ડર કરીને ગુજરાતમાં આવીને દાઢી વધારી બાવા બની જવાનું.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: