Posted by: rajprajapati | 22/04/2010

ગુનેગારોનો અધિકાર બની ગયેલું રાજકારણ

અસામાજીકોનો અધિકાર બની રહેલું રાજકારણ સમાજને ક્યાં લ‍ઇ જાશે?

દેશના મોટા રાજકીય પક્ષોને પણ કૌભાંડકારો અને અસામાજીકોને ટીકીટ આપવાની ફરજ પડે છે.

ગુનેગારોને ટીકીટ આપી છે ત્યાં લોકોએ જીતાડયા છે. ’ભાઈ’ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે.

રાજકારણની વાત એટ્લે ભ્રષ્ટાચારના ધંધાની વાત, હવે આ ધંધો અસામજીક લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનો જાહેર લોકમંચ બની ગયો છે, છેલ્લા ૧૦ વર્ષની ચૂંટ્ણીઓમાં રાજકારણમાં આવેલા મોટાભાગના ગુનેગારોને પ્રજા મત આપીને જીતાડયા છે, વધુ સુલભ રીતે પૈસા કમાઈને તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સતા ઉપર બેસાડ્યા છે, આ ભારતીય સંસ્કૄતિની કરૂણાનિદ્યાન ભાવના છે, ગાધીજી કહી ગયા છે કે કોઇ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવો, ગાંધીજીની શહિદી એળે ના જાય એટલે ગાંધીજીની વાત માનીને મતદારો ગાલ ધરવાને બદલે આખી પીઠ ધરી દે છે.

રાજકીય પક્ષો અને તેના વડાઓને તો ગમે તેમ કરીને સતા જોઇતી હોય છે, ગુનાખોરોને પ્રજાના હિત અહિત સાથે કાંઇ લેવા દેવા નથી, ગુનાખોરી કરીને પૈસા કમાવાને બદલે ભ્રષ્ટાચાર કરીને કમાશે, તેને પૈસાથી મતલબ નથી, બહુ વગોવાયેલાઓને લોકો જંગી સરસાઇથી જીતાડે છે તેવું સાબિત થઈ ગયું હોવાથી સિધ્ધાંતવાદી પક્ષો પણ સુધરી ગયા છે અને સમાજમાંથી ગુનાખોરો શોધી શોધી પોતાના પક્ષમાં ખેંચી રહ્યા છે.

જેટ્લો મોટો ગુનેગાર એટ્લી વધુ સરસાઇથી જીત મળી શકે છે, ચૂંટ્ણીઓ જીતવા અને સતા ટકાવી રાખવા માટે સારા માણસોને સંગઠ્ઠનમાં રાખવા અને ગુનેગારો, માફીયાઓ, કૌભાંડીયાઓને ટીકીટ આપીને ઉમેદવાર બનાવવા, આ રાજનીતિ પુરેપુરી સફળ થઈ છે. રાજ્યનો કે દેશનો ભ્રષ્ટાચારમાં કે પછી પ્રજાકીય સમૄધ્ધીમાં, જે રીતે પણ વિકાસ કરવો હોય તો તે માટે સતા ટકાવી રાખવી જોઇએ, સતા ટકાવી રાખવા માટે બહુમતી લોકપ્રતિનિધિઓ પોતાના પક્ષમાં હોવા જોઇએ, મતદારો જેને મત આપીને જીતાડતા હોય, અને પોતે પણ ગમે તે ભોગે જીતી શકતા હોય તેવા લોકો અસામાજીક હોય કે માફીયા હોય, પ્રજાને ગમે છે અને મત આપે છે એટલે તેને પક્ષમાં સન્માનભેર રાખવા ફરજીયાત બની ગયા છે.

રાજકારણી હોય એટલે ભ્રષ્ટાચારી તો હોય, અને વધુ સારો ખેલાડી હોય તો મોટા કૌભાંડ કરતો હોય પણ કોઇ એમ તો કહી ના શકે કે અમે અમારી પરસેવાની કમાણીના પૈસે સમાજની સેવા કરી રહ્યા છે, એટલે ખરેખર તો કોઇને કોઇ રીતે દરેક રાજકારણી પ્રજાના પૈસા ખાયને ગુનેગાર તો બન્યો હોય તો રાજકારણમાં ટકી શકે, રાજકારણમાં સ્થાન બનાવવા અને વધુ પ્રગતિ કરવા માટે સતત ભ્રષ્ટાચાર અને ગેરરીતી કરવા પડે છે અને તે પૈસાથી કાર્યક્રમો કરવા અને કાર્યકારોને લાલમ લાલ કરીને પોતાના વર્ચસ્વનો વધારો કર્યે રાખવાનો, કોઇ નેતા સમાજ સેવા કરીને રાજકારણની ઉંચી ખુરશી સુધી પહોંચી શક્યા નથી, જેણે પણ બે હાથે ભ્રષ્ટાચાર કરીને કર્યકારોમાં, પ્રવાસોમાં, કાર્યક્રમોમાં છુટા હાથે પૈસો ઉડાવ્યો છે તેઓ ઝડપથી સતામાં અને રાજકીય પક્ષોમાં ઉંચા સ્થાને પહોંચી શકયા છે.

સહકારી બેંકોમાં કૌભાંડો કરો તો રાજયકક્ષાના પ્રધાન બનવા મળે અને મોટા જમીન કૌભાંડ કરો તો કેબીનેટ મંત્રી બનવા મળે, હવે રાજકારણીઓને સતા ઉપર આવવું હોય તો કૌભાંડ કરવું ફરજીયાત થતું જાય છે, જેટલા ગુનેગારોને ટીકીટ આપી તેમાંથી ૮૫ ટકા જીતી ગયા અને જેટલા પ્રમાણીક અને સામાજીક અગ્રણીઓને ટીકીટો આપી તેમાંથી ૬૫ ટકાથી વધારે લોકો હારી ગયા, તમે વિચારો કે પક્ષવાળા કરી કરીને શું કરી શકે, છેલ્લા પાંચ વર્ષની નાની મોટી બધી ચૂંટણીઓમાં માથાભારે અને ગુનાખોરોને ઉભા રાખ્યા હતા તે બધા જીતી ગયા છે. આ માટે કોઇને દોષ દ‍ઈ શકાય તેમ નથી કારણકે બધાએ બોગસ મતદાન કર્યું નથી અને બોગસ મતદાન પાંચ ટ્કાથી વધારે થઈ શકે નહીં, બાકીના મત પ્રચાર અને કાર્યકારોની મહેનતના ભાગરૂપે મતદારોએ આપ્યા છે, એટલે પક્ષોના મોવડીઓને દોષી ઠેરવી શકાય નહીં.

કોઇને જન્મથી ગુનાખોર કે માફીયા હોતા નથી, સામાજીક પ્રવાહો અને અંગત જીવનના સંજોગો માણસને ગુનેગાર બનાવી દે છે પણ એક સત્ય એવું છે કે માફીયાઓ ખુબ લાગણીશીલ અને સાહસીક સ્વભાવના હોય છે, ભલે ગુનેગારો સતામાં આવ્યા હોય બધા તડ અને ફડથી કામ કરાવી રહ્યા છે ગરીબ માણસો માટે આર્શીવાદ જેવું કામ કરતા હોય છે, સ્થળ ઉપર પ્રશ્નનો નિકાલ કરવામાં ગુનેગારો પાવરધા હોય છે તેથી સામાન્ય માણસનું કામ પણ ફટાફટ થઈ જતું હોય છે, ખંધા રાજકારણીઓ કરતાં ગુનાખોરો રાજનીતિમાં સારા પુરવાર થઈ રહ્યા છે, આળસુ અને ભ્રષ્ટ થઈ ચુકેલા અધિકારીઓ પાસે ઉભા ઉભા કામ કરાવવાની હેસીયત ગુનેગારોમાં હોય છે તેથી માફીયાઓ ને ટીકીટ આપીને રાજકીય પક્ષો ગરીબ માણસોના કામો સ્થળ ઉપર નિકાલ કરાવવા માટે સુવ્યવસ્થાઓ કરી રહ્યા છે આ છે ઝડપી વિકાસમાં સતા ટ્કાવી રાખવાનું સંજોગો પ્રમાણે ઉભું થયેલું આધુનિક રાજનીતિ શાસ્ત્ર, ક્રાઇમ ઇઝ મસ્ટ ઇન સક્સેસફુલ પોલીટીકલ સાયન્સ,

મતદારો પણ હોંશે હોંશે મત આપીને માફીયાઓ, કૌભાંડીયાઓને સતા ઉપર બેસાડી રહ્યા છે તે તાસીર બતાવે છે કે લોકો પીઢ રાજકારણીઓના ખભે ગુનેગારોને બેસાડી રહ્યા છે, આલ્યો માલ્યો અને ધમાલ્યો વાળી આખી નાત સામાજીક અને રાજકીયક્ષેત્રોમાં આગળ પડતું યોગદાન આપી રહી છે તે ભારતનું અને ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય હોવાનો નિર્દેશ કરે છે.

સમાજની સેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કોણ કરે? પૈસા ભલે ખોટા કામથી કમાણા હોય પણ પૈસા પ્રજાના કામોમાં વાપરવાએ મહાનતા છે. પાટનગરમાં આવો અને જુઓ કે ગણ્યા ગાઠયા બે પાંચ સીધા સાદા રાજકારણીઓ ઓફીસોમાં વિનંતીપત્રો લઈને ટેબલે ટેબલે આજીજી કરી રહ્યા છે તો બીજી તરફ જેને ગુનાખોર કહેવામાં આવ્યા હતા તેવા માનનિય નેતાઓ ઉભા ઉભા સહીઓ કરાવે છે. ફોન ઉપર ગાળથી વાત કરીને ચપટી વગાડતા કામ કરાવી રહ્યા છે. જો સામાન્ય માણસને પોતાના હક્કનું કામ કરાવવામાં ખોટી દોડાદોડી અને વિલંબ કરવો પોસાય તેમ ના હોય તો જેને માફીયા કહેવાતા હોય, બુટલેગર ગણાવાયા હોય, કૌભાંડીયા કહેવાતા હોય તેવા મંત્રી કે ધારાસભ્ય અથવા સંસદ્સભ્યનો સંપર્ક કરી અનુભવ કરવો જોઈએ, એક વાર આખી વાત તેને ગળે ઉતરી ગઈ એટલે તરત મોબાઈલથી સંબંધીત વિભાગના મોટા અધિકારીને કહીને કહી દે  છે. પછી જો કામ ના થયું હોય તો પાછી રજુઆત કરવા જાવ તો મોબાઈલ ઉપર સીધી ગાળથી વાત શરૂ કરીને એટલું જ કહે છે કે તારા બાપને મોકલું છું, કામ પુરૂ કરીને લેટર તૈયાર કરીને પછી ઘરે જાજે બાકી હું રૂબરૂ આવું છું. બસ…. કામ પુરૂ. ના કાગળોની ઝંઝટ, ના અરજીઓની ઝંઝટ, એક સાદા કાગળમાં રજુઆત અને પ્રશ્નનો એક ઝાટકે નિકાલ એટલે સુધરેલા ગુનાખોરોની આજની નવી રાજનીતિ,

ગુનાખોરોથી અણગમો રાખી શકાય તેવી સામાજીક પરિસ્થિતી રહી નથી જે ન્યાય અદાલતમાં ૧૦ વર્ષથી મળી શક્યો ના હોય તે ન્યાય પોતાની તરફેણમાં કરાવવા માટે માફીયાઓ કરી શકે તેવું ઝડપી કામ તો પોલીસ પણ કરી શકતી નથી, કારણ કે પોલીસ અને કોર્ટ કાયદાની બહાર જઈને મદદરૂપ બની શકે નહી, અદાલતોમાં ફરીયાદીઓએ સાબિત કરવાનું હોય છે કે આરોપીઓ ગુનો કર્યો છે જ્યારે માફીયાઓને કહેવાનું હોય છે કે કોણ આરોપીઓ છે અને કામ શું છે? માફીયાઓના હવાલાઓમાં પુરાવાઓ અને સુનાવણીઓ હોતી નથી, સાચી વાત સમજાય જાય એટલે પત્યું, જે કામ અદાલતમાં અઘરું પડતું હોય તે ખનગીમાં સમાજ સેવકો ઝડપી નીકાલ કરી દેતા હોય છે આમ પણ માફીયાઓ, ગુંડાઓ અને બુટલેગરોનો લાંચથી પોલીસનું વધારાનું ભરણપોષણ આડકતરી રીતે થતું હોય છે.

બધા ગુનેગારો સારા હોય છે તેવું નથી થોડાક ગુંડાઓ સારા નથી હોતા પણ મોટેભાગે પ્રમાણિક હોય છે, તમે આપેલા વચન અને પોતે આપેલા વચનની કિંમત છે તેથી તો માફીયાઓ રાજકારણમાં પણ સફળ થતા જાય છે, રાજકારણ એટલે માફીયા અને માફીયાગીરી એટલે રાજનીતિ, બન્‍ને પ્રવૄતી પકાવેલી ખીચડીમાં દાળ ચોખાની જેમ એકબીજામાં ભળી ગઈ છે, દેશનું અને રાજ્યોનું ભવિષ્ય ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓના હાથમાં જેટલું સલામત છે તેટલું સીધા સાદા માણસોના હાથમાં નથી, કારણકે સીધો માણસ નાની ફરીયાદો કરવામાંથી નવરો થતો નથી, આજીજી કરીને કામ કરનારાઓથી સરકારો અને દેશની ઘુરા સંભાળવાનું મુશ્કેલીભર્યું બનતૂં જાય છે તેથી તો દેશના મતદારોઅ વિચારીને ગુનેગારો અને માફીયાઓને સતા ઉપર બેસાડવાનો સ્તુત્ય અભિગમ અપનાવ્યો છે.

ભારતમાં એવી લોક્શાહી છે કે ગુનેગારોને સજા કરી જેલમાં ગોંધી રાખવાને બદલે જાહેર સમાજમાં સારી રીતે સમાજ સેવા કરી જીવન સાર્થક કરવાની વારંવાર તક અપાય છે અને તેનાથી અનેક નવી સમાજસેવાઓ જન્મી શકી છે આજે ગુના કરી રહ્યા છે તેને પણ ભવિષ્યમાં ધારાસભ્ય કે સાંસદ થવાની તક છે, નાના ગુનેગારો કાર્યકારો બની શકે છે કારણકે મોટા ભાઈઓની લાંબી લાઈન હોવાથી નાના પાકીટમારો, બાઈક્ચોરો, ઘરફોડીયાઓને રાજકીયપક્ષમાં કાર્યકરો તરીકે સેવા આપીને કારકીર્દીની શરૂઆત કરવાની હોય છે, સારા નરસાનું જોવાનું નહીં બધા ભારતના નાગરીકો છે અને આપણા ભાઈઓ બહેનો છે.

વાચકોને સાચુ લાગતું નથી પણ ખરેખર સરપંચથી લઈને ધારાસભા સુધીના ચુંટાયેલા પ્રજાના સેવકોના પોલીસ ડાયરી તપાસો તો એવું લાગે કે રાજકીય પક્ષોએ કૌભાંડીયાઓ અને ગુનાખોરોની આખી કેડર ઉભી કરી લીધી છે, ચપ્પુ, તલવાર ચલાવી શકે તેવા કાર્યકરોથી માંડિને પીસ્તોલ રીવોલ્વરનો ધાર્યો ઉપયોગ કરી શકે તેવા નિષ્ણાંત સૈનિકો દરેક રાજકીય પક્ષોની પહેલી હરોળમાં બિરાજતા જોવા મળશે, ભ્રષ્ટ રાજકારણીઓને વિરોધીઓની થતી ખાનગી અને જાહેર કનડગત રોકવા માટે આખી ગુંડા જમાત રાખવામાં આવતી હોય છે કારણ કે એકલ-દોકલ વિરોધીઓને ખાનગીમાં સીધા કરવામાં ના આવે તો એક એક કરીને ઘણા વિરોધીઓ ઉભા થઈ જાય અને વધુ વિરોધીઓ ભેગા થઈ જાય તો સતા ઉપરથી તગડી મુકે એટલે જેને ખનગી સુરક્ષા અને પ્રચાર પાંખ કહેવાય તેવી વ્યવસ્થાઓ રાજકીય પક્ષોમાં હોય છે.

પ્રજાજનોની બેફામ સેવામાં રહેલા આપણા માનનિય નેતાઓ સતત હરતા ફરતા હોય અને સાથે સાથે અનેક ભ્રષ્ટાચાર આચરતા હોય તેથી અનેક જાણ્યા અજાણ્યા લોકો સાથે દૂશ્મની પેદા થતી હોવાથી, વિરોધીઓ અને નાના મોટા દુશ્મનોને ભરી પીવા રાજકારણીઓ પોતાના પક્ષમાં અડધો અડધ ગુંડાઓને રાખી રહ્યા છે કારણ કે હાથ ચાલાકી કરવામાં અવારનવાર જરૂર પડે ત્યારે આ ગુનેગારો અને તેના કાર્યકારો કર્મયોગીની ફરજ બજાવીને નેતાઓને રક્ષણ પુરૂ પાડતા હોય તેના બદલામાં મોટા અને માલેતુજાર માફીયાઓ અને ગુનાખોરો, કૌભાંડીયાઓને થોડી ટીકીટો ફાળવીને થોડી તક આપવામાં આવે તો ખોટું પણ નથી,

પ્રજાએ મતદાન કરીને જે લોકોને રાજકારણમાં સ્વિકાર્ય છે કે તેવા એક પણ ચૂંતાયેલા ગુનેગારોના નામે રાજકીય કૌભાંડો કે ગેરરીતીની ફરીયાદો હોતી નથી, જેટલી ફરીયાદો હોય તે બધી સારા ગણાતા નેતાઓના નામે હોય છે, વિવેચકો અને સમાજના અનેક મહાનુભવોને લાગતું હશે કે કૌભાંડીયાઓ અને ગુનેગારોના હાથમાં સતા રહે તો પ્રજાનું હિત જળવાશે નહીં પણ મતદારો પોતાનું હિત અને સારુ ભવિષ્ય ઇચ્છી રહ્યા છે તેથી તો બુટ્લેગરોને મત આપી રહ્યા છે, કોઇને સતા ઉપર આવવું હોય અને દેશ સેવા કરવી હોય તો પહેલા બુટલેગર બનો, બેંક કૌભાડ કરો, ખુન ખરાબા અને તોફાનોમાં આગેવાની લો, અને પત્રકારોને કહો કે ફોટા સાથે આગળના પાને સમાચારો છાપે, પછી જુઓ રાજકીય પક્ષના મોવડીઓ તરફથી આમંત્રણ આવે છે કે નહીં…,

……………………………… જય જય ગરવી ગુજરાત, દીસે અસુરુ પ્રભાત.


Leave a comment

Categories